સોરઠને આથમણે કાંઠે જાંબવાનની ગુફાથી બે માઈલ દૂર આવેલું ગામ રાણાવાવ નામથી ઓળખાય છે. વર્ષો પહેલાં અહીં મેમણોનો વસવાટ બહુ હતો. ધીરે ધીરે બીજી કોમના માણસો ત્યાં વસવાટ કરવાં લાગ્યા જેમાં પ્રજાપતિ – કુંભાર – જ્ઞાતિના વંશજોનો સમાવેશ થયો.
આ કુંભાર જ્ઞાતિના સ્વ. શ્રી છગનભાઈ વશરામ વાઢેર પરિવાર પુણ્યશાળી કર્મનિષ્ઠ હતો. સ્વ. શ્રી નિરાભિમાની અને ખૂબ જ સાદું જીવન જીવતા. સ્વભાવે વિનમ્ર, સરળ અને ધર્મપ્રેમી હતા. તેમનું જીવન પ્રભુ સ્મરણ અને સંતસેવાથી રંગાએલ હતું. હંમેશા પ્રભુ ભજનમાં મસ્ત રહેનાર દિવ્ય આત્મા હતા. ઈશ્વરના સ્મરણ સાથે દરરોજ ઓછામાં ઓછા ત્રણ ભજન ગાવા જ એવો તેમનો પાક્કો નિયમ હતો. પૂર્વ જન્મના સંસ્કારની જાગૃતિ અને વડીલનાં સંસ્કાર તેમના પરિવાર પર પડ્યા વગર રહ્યા નહીં.
સમસ્ત વાઢેર પરિવાર સત્કાર્ય અને સેવાના કાર્યમાં અવિરત રહેવા માંડ્યું. “પિતાનો વારસો અને ઋણ અદા કરવાના ગુણોથી તેમનાં પુત્રો પણ રંગાયા છે. સ્વ. શ્રીના નાના દિકરા સ્વ. શ્રી હરજીભાઈની રગરગમાં આ સંસ્કારોની ઘેરી છાપ પડી હતી. શ્રી હરજીભાઈ દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવતાં લોખંડી પુરુષ હતાં. સત્કર્મ, સત્કાર્ય અને ભલાઈના કાર્યો તેમને હૈયૈ વસેલા હતાં. તેઓએ ખંતથી અને ઈમાનદારીથી નોકરી કરી પોતાનાં પરિવારનો ઉચ્ચ અને સારી સ્થિતિમાં ગુજારો કરેલ છે. કુટુંબીક પ્રેમની લાગણી એટલી સધ્ધર હતી કે કોઈ પણ ઈચ્છા વિરૂદ્ધના કાર્યથી પર રહેતા. માનવ સેવા એમનો દયા ધર્મ હતો. પોતાની મહેનતની કમાઈથી રળેલા રોટલામાંથી પણ બચત કરી બીજા દુઃખી જનોની વ્હારે જઈ મદદરૂપ બનતાં. પરોપકારની ભાવના અને દુઃખીયાની સેવા ગુપ્ત રીતે કરતાં. પોતાના તરફથી થયેલ નાણાંકીય સેવામાં પોતાનું નામ ક્યાંય ન આવે તેની તકેદારી રાખતાં. અન્નદાનની સેવા તેમાં મોખરે હતી. મનુષ્ય દેહ મળ્યાથી આત્માનું કલ્યાણ માનવ-ધર્મ સેવાથી કરી લેવાનો તેમનો મુદ્રાલેખ હતો. તેમની નજીક રહેલ વ્યક્તિઓના હ્રદયમાં તેઓની મૂક સેવક અને નામનાથી પર રહી જીવન જીવનાર વિરલ વ્યક્તિ તરીકેની અમીટ છાપ કોતરાયેલ છે. તેમનો જ્ઞાતિ પ્રેમ અધીક હતો. જ્ઞાન અને અનુભવોના બેતાબ બાદશાહની જેમ સત્યનો રાહ અપનાવનાર એક મુત્સદી પુરુષ ગણાતાં.
શ્રી હરજીભાઈના પુત્ર શ્રી ત્રિકમભાઈ વર્ષોથી વિદેશમાં રહ્યાં હોવા છતાં, પોતાનું જીવન સાદગી અને ભારતીય પધ્ધતિને અર્પણ કરેલ. જીવનમાં આવતી સમસ્યાઓ અને દુઃખ સમયે માનવીએ મક્કમતા જાળવવી જોઈએ અને તેની માથાજીકમાં પડવું નહી તે તેઓ સારી રીતે જાણતાં. પોતાના અંતરાત્માની ખોજ અને ગુરૂ એટલે શું તેનું મહાત્મ્ય સમજવા તેઓ ભારતમાં સાચા ગુરૂની શોધમાં નીકળ્યાં. ઘણીવાર એવું બને છે કે જેને આપણે ચારે દિશાઓમાં શોધતા હોઈએ, તે તો આપણી નજીક પાસે જ હોય. શ્રી ત્રીકમભાઈના જીવનમાં પણ એવું જ બન્યું જે સાચા ગુરૂની શોધમાં તેઓ વિચરેલ તે તેમની પાસે રાણાવાવમાં જ હતાં.
પૂજ્ય ગુરૂ શ્રી ભજનપ્રકાશાનંદગિરીજી મહારાજ પાસેથી 1992માં મંત્રદિક્ષા લઈ, ગુરૂજીના સંનિષ્ઠ શિષ્ય બન્યા. દિક્ષા લીધા બાદ થોડા જ સમયમાં ગુરુજીની સાથે રહેવાની તક સાંપડી જેને એક પ્રસાદીના રૂપમાં સ્વીકરી એક વર્ષ સુધી સતત ગુરુજીની સેવા તન-મન-ધનથી કરી. આમ તેઓ પોતાનું આધ્યાત્મિક જીવન વધુ પ્રબળ બનાવતા ગયા. તેમની નાની ઉમર હોવા છતાં, સાધુ-ગુરૂના અનેક ગુણોથી રંગાયેલા છે. સિધ્ધતાના પગથીયે આગળ વધતાં તેમનાં સદગુરૂની કૃપા તેમના પર વરસી અને જીવનને સાર્થક અને ઉન્નત કરવામાં પાછી પાની ન કરી.
“વખત વિત્યાની પહેલાં” અને “અજ્ઞાતમાં ડૂબકી” જેવા બોધદાયક પુસ્તક પ્રસિધ્ધ કરવાનો બધો ખર્ચ શ્રી ત્રીકમભાઈએ ઉપાડેલ છે. શ્રી નિર્વાણ સેવા સમિતિ તેમના સત્કાર્યોથી પ્રસન્નતાની લાગણી અનુભવે છે. પરમ કૃપાળું પરમાત્મા તેમને જીવન કૃતાર્થ કરવાનો ભક્તિમય માર્ગ અપનાવવાની પ્રેરણા અને શુભ સત્કાર્યો કરવાનું સામર્થ્ય આપતા રહે તેવી ભાવના સાથે ઋણ સ્વિકાર કરે છે.