વિવેકાનંદજીના સાંનિધ્યમાં


(‘વિવેકાનંદજીના સાંનિધ્યમાં’ એ નવા શીર્ષક રૂપે ‘ગુરુશિષ્ય વાર્તાલાપ’ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદના વિદ્વાન ગૃહસ્થ શિષ્ય શ્રી શરદચંન્દ્ર ચક્રવર્તીકૃત મૂળ બંગાળીમાં ‘સ્વામી શિષ્ય સંવાદ’ પુસ્તકનો આ અનુવાદ છે. શિષ્ય ચક્રવર્તીજીને સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તર તથા વાર્તાલાપ કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું.પ્રસ્તુત ગ્રંથમાં ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક, આર્થિક, કલા અને સંસ્કૃતિ વિષયક વિશદ ચર્ચાઓનું સંકલન થયું છે. રાષ્ટ્રોન્નતિ સાધવા કર્મયોગ આચરવાનો સંદેશ અને કેળવણી દ્વારા ભારતીય નારીનું પુનરુત્થાન સાધવાના મનનીય વિચારો આ પુસ્તકમાં સમવિષ્ટ થયા છે. આ પુસ્તકમાં કુલ ૪૬ પ્રકરણો છે, જેમાંથી અત્રે ૩૧મું પ્રકરણ લેવામાં આવ્યું છે.)


(સ્થળ – બેલૂર મઠ સને ૧૯૦૧)

sv1

સ્વામીજીની તબિયત અસ્વસ્થ છે. સ્વામી નિરંજનાનંદની આગ્રહભરી વિનંતીથી તેઓ છ-સાત દહાડાથી આયુર્વેદિક ઔષધ લે છે. આ ઉપચાર અનુસાર પાણી પીવા પર સખત પ્રતિબંધ છે. સ્વામીજીને દૂધ પીને પોતાની તરસ છિપાવવી પડે છે.

વહેલી સવારમાં શિષ્ય મઠ ઉપર હાજર થયો છે. તેને જોતાં જ સ્વામીજીએ સ્નેહપૂર્વક કહ્યું “ઓહો તમે આવી પહોંચ્યા? બહુ સારું કર્યું. હું તમારો જ વિચાર કરતો હતો.”

શિષ્યઃ મેં સાંભળ્યું છે કે આપ છ-સાત દિવસથી દૂધ પર જ છો.

સ્વામીજીઃ હા, નિરંજનાનંદની આગ્રહભરી વિનવણીથી મારે આ ઔષધ લેવું પડ્યું છે. તેમની વિનંતીની હું ઉપેક્ષા કરી ન શકું.

શિષ્યઃ આપને તો વારંવાર પાણીની ટેવ હતી; આપ તે એકદમ કેવી રીતે બંધ કરી શક્યા?

સ્વામીજીઃ જ્યારે મેં સાંભળ્યું કે આ ચિકિત્સામાં પાણીનો ત્યાગ કરવાનો છે ત્યારે તરત જ મેં પાણી નહિ પીવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. હવે તો પાણી પીવાનો વિચાર સરખોય મારા મનમાં આવતો નથી.

શિષ્યઃ આ ચિકિત્સાથી આપને ફાયદો થાય છે ખરો?

સ્વામીજીઃ તેની મને ખબર નથી હું તો માત્ર મારા ગુરુભાઈઓની આજ્ઞાનું પાલન કરું છું.

શિષ્યઃ મારા ખ્યાલ પ્રમાણે આપણા વૈદ્યો વાપરે છે તેવાં દેશી ઔષધો આપણા શરીરબંધારણને સારી રીતે માફક આવે છે.

સ્વામીજીઃ હું એમ માનું છું કે જે સામાન્ય માણસો આધુનિક વિજ્ઞાન વિશે કશું જાણતા નથી પણ વિષયમાં પ્રાવીણ્ય મેળવ્યા સિવાય પ્રાચીન ગ્રંથોનું માત્ર આંધળૂં અનુસરણ કરે છે, તેમણે ભલે થોડાએક દર્દીઓને સાજા કર્યા હોય છતાં તેમને હાથે સાજા થવાની આશા રાખવા કરતાં વૈજ્ઞાનિક જ્ઞાનવાળા ડોક્ટરને હાથે મરવું વધારે સારું છે.

સ્વામીજીએ જે કેટલીક વાનગીઓ બનાવી હતી તેમાં એક નાની સેવની બનાવેલી હતી. તે ખાધા પછી જ્યારે શિષ્યે સ્વામીજીને પૂછ્યું કે આ શેમાંથી બનાવેલી છે, ત્યારે સ્વામીજીએ કહ્યું “થોડાંએક સૂકવેલાં અંગ્રેજી અળસિયાં લંડનથી હું સાથે લાવેલો, તેમાંથી.” એ સાંભળી હાજર રહેલા બધા લોકો શિષ્યની સામે જોઈને હસી પડ્યા.ઓછો આહાર અને ઓછી ઊંઘ લેવા છતાં સ્વામીજી ઘણાં જ પ્રવૃત્તિશીલ રહી શકે છે. થોડા દિવસ અગાઉ મઠ માટે વિશ્વકોશની નવી આવૃત્તિના ગ્રંથો મંગાવવામાં આવ્યા હતા. આ નવાં ચળકતાં પુસ્તકો જોઈને શિષ્યે કહ્યું “એક જિંદગી દરમિયાન આ બધા ગ્રંથો વાંચવા અશક્ય છે.” તેને ખબર ન હતી કે સ્વામીજીએ દસ ભાગ તો વાંચી કાઢ્યા હતા, અને અગિયારમો શરૂ કર્યો હતો !

સ્વામીજીઃ શું બોલ્યા? આ દસ ભાગમાંથી તમે મને ગમે તે પૂછો; હું બધાના જવાબો આપીશ. શિષ્યે આશ્ચર્યથી પૂછ્યું “આ બધાં પુસ્તકો આપે વાંચી નાખ્યાં છે?”

સ્વામીજીઃ નહિ તો હું તમને ગમે તે પૂછવાનું શા માટે કહું?

સ્વામીજીની પરીક્ષા કરવામાં આવી ત્યારે તેમણે માત્ર ભાવ સમજાવ્યો એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે તો દરેક ભાગમાંથી ચૂંટી કઢાયેલાં કઠિન વિષયોની ભાષા પણ જેમની તેમ બોલી બતાવી. આશ્ચર્યચકિત બનેલ શિષ્યે પુસ્તકો પાછાં મૂકતાં કહ્યું “આ માનવશક્તિના ગજાની વાત નથી.”

સ્વામીજી – તમને ખબર તો છે ને કે કડક બ્રહ્મચર્યના પાલનથી તમામ વિદ્યા ઉપર અલ્પ સમયમાં પ્રભુત્વ મેળવી શકાય છે? એને પરિણામે એક જ વાર સાંભળેલી કે એક જ વખત જાણેલી વાતની અચૂક સ્મૃતિ માણસને રહે છે. બ્રહ્મચર્યના અભાવે આ દેશમાં બધું વિનાશને આરે આવીને ઊભું છે.

શિષ્યઃ આપ ગમે તે કહો, સ્વામીજી! પણ આવી અલૌકિક શક્તિનો આવિર્ભાવ માત્ર બ્રહ્મચર્યનું પરિણામ ન હોય. બિજું કંઈક તેમાં હોવું જ જોઈએ.

સ્વામિજીએ કશો જવાબ આપ્યો નહિ.

પછી સ્વામીજીએ શિષ્યને બધાં તત્વજ્ઞાનોના મુશ્કેલીભર્યા મુદ્દાઓ અંગેની દલીલો અને તેના નિર્ણયો સરસ રીતે સમજાવવાનો આરંભ કર્યો. વાતચીત દરમિયાન સ્વામી બ્રહ્માનંદ ખંડમાં આવી ચડ્યા. તેમણે શિષ્યને કહ્યું “તમે પણ ખરા છો! સ્વામીજી સ્વસ્થ નથી, એટલે તેમનું મન હળવી વાતોથી પ્રફુલ્લ રાખવાને બદલે અત્યંત સુક્ષ્મ વિષયો ઉપાડીને તમે સતત વાતો જ કરાવ્યા કરો છો?” શિષ્ય બહુ શરમિંદો બની ગયો. પણ સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદને કહ્યું “તમારી આયુર્વેદિક ચિકિત્સાના નિયમો હમણાં દૂર રાખો. આ મારાં સંતાનો છે, અને તેમને ઉપદેશ આપતાં મારું શરીર પડી જાય તો પણ મને તેની પરવા નથી.”

આ પછી થોડી હળવી વાતો થઈ. ત્યાર પછી બંગાળી સાહિત્યમાં ભારતચંદ્રના સ્થાન વિશે પ્રશ્ન ઉપસ્થિત થયો. શરૂઆતથી જ સ્વામીજીએ જુદી જુદી રીતે ભારતચંદ્રની હાંસી કરવા માંડી તથા ભારતચંદ્રના સમયમાં જીવન, રીતરિવાજો, લગ્નપ્રથા અને સમાજની બીભત્સ ઋઢિઓ ઉપર કટાક્ષભરી ટીકા કરી; અંતે પોતાનો અભિપ્રાય જણાવ્યો કે ભારતચંદ્રના કાવ્યો અશિષ્ટ અને અશ્લીલ હોઈ, બંગાળ સિવાય બીજા કોઈ પણ સંસ્કારી સમાજમાં આવકાર પામ્યાં ન હતાં. તેમણે ઉમેર્યું “જુવાન છોકરાઓના હાથમાં આવાં પુસ્તકો ન જાય તેની કાળજી રાખવી જોઈએ.” પછી માઈકેલ મધુસૂદન દત્તનો વિષય કાઢીને કહ્યું “તમારા પ્રાંતમાં આ એક અદભુત મેધાવી વ્યક્તિ જન્મી હતી.’મેઘનાદવધ’ જેવું બંગાળી ભાષામાં બીજું કોઈ મહાકાવ્ય નથી; તેમાં કશી શંકા નથી. સારાય આધુનિક યુરોપીય સાહિત્યમાં તેના જેવું કાવ્ય મળવું મુશ્કેલ છે.”

શિષ્યઃ પણ સ્વામીજી! માઈકેલ તો આડંબરભરી શૈલીના ખૂબ જ શોખીન હતા.

જીઃ વારુ, જો તમારા દેશમાં કોઈ કંઈ નવું કરે તો તમે તેની મશ્કરી કરો છો. પ્રથમ તો લેખક શું કહે છે તે સારી રીતે તપાસવું જોઈએ. પણ તેને બદલે આ દેશના લોકો પોતાની પુરાણી ઢબને જે અનુકુળ ન હોય તેની મશ્કરી ઉડાવવા લાગે છે. દાખલા તરીકે ‘મેઘનાદવધ’ કાવ્ય કે જે બંગાળી સાહિત્યમાં રત્નસમું છે, તેની મશ્કરી કરવા માટે “છછુંદરી-વધ કાવ્ય” નામનું કટાક્ષ કાવ્ય લખાયું. લોકો પોતાને ઠીક પડે તે જાતના કટાક્ષો ભલેને કરે. પણ ‘મેઘનાદવધ’ કાવ્ય પોતાની પ્રતિષ્ઠામાં હજુ પણ હિમાલયની જેમ અચલ રહેલું છે, જ્યારે જે ટીકાકારો કચકચ કરીને તેમાં માત્ર છિદ્રો જ શોધ્યા કરે છે તેમના અભિપ્રાયો અને લખાણો ક્યાંય વિસ્મૃતિમાં વિલીન થઈ ગયાં છે. આવી સચોટ શૈલી અને મૌલિક છંદમાં લખાયેલા માઈકેલના મહાકાવ્યોને અસંસ્કારી જનતા શી રીતે સમજે? અને આજે પણ ગિરીશબાબુ નવા છંદમાં ઘણાં અદભુત પુસ્તકો લખે છે, જેની તમારા દોઢડાહ્યા પંડિતો ટીકા કરે છે અને દોષ કાઢે છે; પણ ગિરીશચંદ્ર તેની પરવા કરે છે ખરા? લોકો તે પુસ્તકોની કદર પાછળથી કરશે.

આમ માઈકેલ અંગે બોલતાં બોલતાં સ્વામીજીએ કહ્યું “જાઓ; નીચે પુસ્તકાલયમાંથી ‘મેઘનાદવધ કાવ્ય’ લઈ આવો.” શિષ્ય જ્યારે તે લઈ આવ્યો ત્યારે સ્વામીજીએ કહ્યું “હવે આગળ વાંચો જોઈએ, તમને કેવુંક વાંચતાં આવડે છે?”

શિષ્યે થોડો ભાગ વાંચ્યો. પણ એ વાંચન સ્વામીજીને પસંદ નહિ પડવાથી તેમણે પોતે પુસ્તક લઈને કેમ વંચાય તે બતાવ્યું અને શિષ્યને ફરી વાંચવા કહ્યું. પછી સ્વામીજીએ તેને પૂછ્યું “હવે તમે કહી શકો છો કે કાવ્યનો ક્યો ભાગ શ્રેષ્ઠ છે?” શિષ્ય જવાબ ન આપી શક્યો તેથી સ્વામીજીએ કહ્યું “જે ભાગમાં ઈન્દ્રજિતના મૃત્યુનું વર્ણન છે અને શોકથી વ્યાકુળ થયેલી મંદોદરી રાવણને યુધ્ધમાંથી પરાવૃત્ત કરવા પ્રયાસ કરે છે, પરંતુ રાવણ પોતે પુત્રનો શોક બળજબરીથી મનમાંથી કાઢી નાખીને એક મહાન વીરની માફક લડવાનો મક્કમ નિર્ણય કરે છે તથા ક્રોધ અને વેરના આવેશમાં પોતાની સ્ત્રી તથા બાળકોને બધાંને ભૂલીને લડવા તત્પર થાય છે, તે ભાગ આ પુસ્તકમાં શ્રેષ્ઠ રીતે યોજવામાં આવ્યો છે. ‘ગમે તે થાઓ, જગત રહે કે નાશ પામે, મારું કર્તવ્ય હું ચૂકીશ નહિ!’ એ એક મહાન વીરના શબ્દો છે. અને માઈકેલે પણ આવી જ ભાવનાથી પ્રેરાઈને તે ભાગ લખ્યો છે.”

આમ કહી સ્વામીજીએ પુસ્તકમાંથી તે ભાગ કાઢ્યો અને ખૂબ જ અસરકારક રીતે વાંચવો શરૂ કર્યો.

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: | 1 Comment

Post navigation

One thought on “વિવેકાનંદજીના સાંનિધ્યમાં

  1. સુરેશ જાની

    સરસ વાત . અદભુત વ્યક્તી ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: