જ્ઞાનવાનનો અર્થ – પ્રત્યુત્તરઃ-(1)
તા. 09-02-2003, રવિવાર (સ્વામી ભજનપ્રકાશાનંદજી)
જ્ઞાનવાનનો મુખ્ય અર્થ તો એ છે કે જે વિવેક, વૈરાગ્ય, શમાદિ ષટ્સંપત્તિ, મુમુક્ષુતા તથા શ્રવણ, મનન, નિદિધ્યાસન અને તત્વં પદાર્થનું શોધન જેણે કરી અને ગુરૂના મહાવાક્ય તત્વમસિ ને કાનથી શ્રવણ કરીને જે સાધન ચતુષ્ટ્ય સંપન્ન છે. તત્વં પદાર્થનું શોધન કરેલ છે. તેને ગુરૂ મહાવાક્ય કહેતાંજ તેના શ્રવણથી જીવ તથા ઇશ્વરનું તત પદ વાચ્ય ઇશ્વર અને ત્વં પદ વાચ્ય જીવ બંનેના વિરોધી ધર્મોમાં એકતા અથવા અભિન્નતામાં વિરોધ જણાતાં જેણે લક્ષણાવૃત્તિ દ્વારા અથવા ભાગ ત્યાગ લક્ષણા દ્વારા તતપદ વાચ્ય ઇશ્વર અને ત્વં પદ વાચ્ય જીવ, તે બંનેના વાચ્યાર્થ ભાગના ત્યાગપુર્વક અને તતપદ લક્ષ્ય બ્રહ્મ તથા ત્વંપદ લક્ષ્ય કુટસ્થ બંનેની લક્ષ્યાર્થમાં સ્વીકારપુર્વક જેણે અસિપદમાં આત્મા – પરમાત્મા ની અભીન્નતાનો સ્વિકાર કરીને, ગુરૂના સદ્બોધને પ્રાપ્ત થઇને અહં બ્રહ્માસ્મિ ની અપરોક્ષ અનુભુતી પુર્વક જે નિષ્ઠાવાન બન્યો છે. અને જેને સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા થઇ છે. પરિપક્વ નિષ્ઠાવાન થયો છે. એવો બ્રહ્મનિષ્ઠ કે બ્રહ્મવેતા કે બ્રહ્મજ્ઞાતાને પણ જ્ઞાનવાન મનુષ્ય કહેવાય. આવી જે સ્વરૂપનિષ્ઠા દ્રઢ અને ખુબજ પરિપક્વ થયેલી છે તેને માટે તો કોઇ ફરી તૃષ્ણા ઉદ્ભવવાનો સંભવ નથી. તે તો તરણા તોલ બનવાનો પણ સંભવ નથી. તે તો જ્ઞાનવાન તે જ્ઞાનવાન મનુષ્ય છે. મેરૂ જેવો દ્રઢ સ્થિર છે. શુરવીર છે અને તે નરોત્તમ ધૈર્યવાન પણ છે. તે તેવો જ છે. આ જ્ઞાનવાનનો મુખ્ય અર્થ છે.
બીજો જ્ઞાનવાનનો અર્થ જોશું કે જે પ્રથમ ઉપર બતાવ્યા પ્રમાણે તે પણ સાધન ચતુષ્ટ્ય સંપન્ન છે. અને તેણે પણ ગુરૂના બોધ દ્વારા બોધીત થઇને અપરોક્ષ અનુભુતી કરી છે. પરંતુ નિષ્ઠાવાન નથી. નિષ્ઠા પાકી નથી. અપક્વ જ્ઞાની છે. અવિદ્યાની નિવૃત્તિ તો થઇ છે. આત્મા અનાત્માનો વિવેક પણ થયો છે. જે દેહાભિમાનથી જીવતો હતો તે હવે વિવેકપુર્વક આત્માને આત્મા સમજીને આત્મામાં જ અહં બ્રહ્માસ્મિનો અનુભવ કરે છે. પરંતુ જે સ્વરૂપની નિષ્ઠા માટે એકાંતમાં બેસીને ખુબ જ સ્વરૂપાનુસંધાન કરવું જોઇએ તે કરી શક્યો નથી.
જેમ તીરના લક્ષ્યમાં સંધાનથી અને બલપુર્વક તીર છોડવાથી સીધું લક્ષ્યમાં સંધાઇ વેધપુર્વક લક્ષ્યમાં પ્રવેશ કરી જાય છે. તેમ વૃત્તિ દ્વારા ફરી ફરીને અનુસંધાન કે આવર્તન કરવાથી વૃત્તિ દ્રઢ અનુસંધનિય બને છે. તદરૂપ બને છે. તતાકાર થઇને તેમાં જ નિવૃત થાય છે. અને દ્રઢ નિષ્ઠા થાય છે. તેવી નિષ્ઠાનો સંસારમાં કોઇ પણ પ્રલોભનિય પદાર્થ નથી કે તેને પ્રલોભન કરી શકે. તેવી સ્વરૂપનિષ્ઠા તથા નિજાનંદ સ્વરૂપાનંદમાં મસ્ત હોય છે કે જે આનંદની આગળ સર્વ સઘળા રસો નિરસ થયા હોય છે. મન અમન થયું હોય છે. અને તેવા જીવનમુક્ત જ્ઞાનવાનનો વહેવાર પણ બાધિતાનુવૃત્તિ વડે થતો હોય છે. અને બ્રહ્મ સત્ય જગત મિથ્યા તેવો સંશય વિપર્યય રહિત યથાર્થ અનુભવ છે, તેને માટે તૃષ્ણાનું કોઇ કારણ જ રહેતું નથી. અને તેવા મહાત્મા મળવા દુર્લભ હોય છે. અને તે વહેવાર પણ મનથી ન કરતા હોય તે સત્વ અંતઃકરણથી કરતા હોય છે. કારણ કે જે મનમાં વાસના હોય તે મન કહેવાય છે. અને જે મનમાં વાસના ન હોય તે સત્વ કહેવાય. અને તેવું અંતઃકરણ જીવનમુક્ત મહાપુરૂષોનું હોય છે.
તેવા મહાપુરૂષોને માટે તો કોઇ તૃષ્ણાનું કારણ નથી. પરંતુ અપરોક્ષ અનુભૂતી કરી છે. પરંતુ નિષ્ઠાથી પરિપક્વ નથી. અપક્વ દશાવાળો છે. અને અવિદ્યાની પણ નિવૃત્તિ કરી છે. દેહબુધ્ધી પણ નથી છતાં, જ્ઞાનમાર્ગમાં એક મોટું વિઘ્ન તે છે કે અનુસંધાન પરીપક્વ ન થયું હોય નિષ્ઠા પાકી ન થઇ હોય. જ્યારે પરિપક્વ દશા થાય ત્યારે અનુસંધાન આપોઆપ છુટી જાય છ અને અહં બ્રહ્માસ્મિ પણ ન રહે. જેમ આપણને શરીરનું નામ મગન છગન આપ્યા પછી જેવી નિષ્ઠા થઇ ગઇ છે કે ઘેરી સુષુપ્તિમાંથી પણ જાગૃત થઇ જાય છે. તેવી જ નિષ્ઠા સ્વરૂપમાં થાય કે વારંવાર તેની પછી આવૃત્તિ કરવી પડતી નથી. નામમાં નિષ્ઠાથી જ સર્વ વ્યવહાર કરીયે છીએ. પરંતુ આવા જ્ઞાની કેટલા? કોઇ શંકરાચાર્ય જેવા અપવાદરૂપમાં.
હવે બીજો અર્થ તે કે તેવી નિષ્ઠા નથી. અવિદ્યાની પણ નિવૃત્તિ છે. પરંતુ પક્વ દશા નિષ્ઠાવાન દશા નથી. તેને વિશે અષ્ટાદશરત્નમાં વિવેકચુડામણીમાં શંકરાચાર્ય મહારાજે બહુ જ સુંદર બતાવ્યું છે તે જોઇએ.
વિવેકચુડામણી શ્લોકઃ- 321
प्रमादो ब्रह्मनिष्ठायां न कर्तव्यः कदाचन ।
प्रमादो मृत्युरित्याह भगवान्ब्रह्मणः सुतः ।।
શ્લો0- અંતઃકરણને બ્રહ્મમાં સ્થિર રાખવામાં કદી પણ પ્રમાદ ન કરવો. પ્રમાદ મોત છે એમ બ્રહ્માના પુત્ર ભગવાન સનત્સુજાત ધૃતરાષ્ટ્ર પ્રતિ કહેતા હતા. આત્મસ્વરૂપનુ વિસ્મરણ કરવારૂપ પ્રમાદ મહા અનર્થ કરનારો છે, એમ કહે છે.
વિવેકચુડામણી શ્લોકઃ- 322
न प्रमादादनर्थोऽन्यो ज्ञानिनः स्वस्वरुपतः ।
ततो मोहस्ततोऽहंघीस्ततो बन्धस्ततो व्यथा ।।
શ્લો0- આત્મજ્ઞાનીને પોતાના સ્વરૂપના વિસ્મરણથી ભિન્ન બીજો કોઇ પણ મોટો અનર્થ નથી. તેથી આત્મસ્વરૂપના વિસ્મરણથી અવિવેક, તેથી અવિવેકથી દેહાદીમાં હું એવું જ્ઞાન, તેથી દેહાદીમાં હુંપણાના જ્ઞાનથી જન્મ-મરણરૂપ સંસાર, અને તેથી સંસારથી તેને નાના પ્રકારની પીડા થાય છે. હવે આત્મસ્વરૂપનું વિસ્મરણ ચિતને વિક્ષેપવાળું કરે છે તેમ જણાવે છે.
વિવેકચુડામણી શ્લોકઃ- 323
विषयाभिमुखं दृष्ट्वा विद्वांसमपि विस्मृतिः ।
विक्षेपयति धीदोषैर्योषा जारमिव प्रियम् ।।
શ્લો0- જેમ સ્ત્રી પોતાના પ્રિય ઉપપતિને પોતાના સ્મરણ વડે વિક્ષેપયુક્ત કરે છે, તેમ આત્મસ્વરૂપની વિસ્મૃતિ જ્ઞાનીને પણ વિષયની અભિમુખ થયેલો જોઇને અહંકારાદિ બુધ્ધિના દોષો વડે વિક્ષેપયુક્ત કરે છે. અવિદ્યા દુર કરી હોય તોપણ પછી બહિર્મુખ થયેલા અંતઃકરણ વાળાના આત્માને આવરણ કરે છે, એમ દ્રષ્ટાંત આપીને સમજાવે છે.
વિવેકચુડામણી શ્લોકઃ- 324
यथाऽपकृष्टं शैवालं क्षणमात्रं न तिष्ठति ।
आवृणोति तथा माया प्राज्ञं वाऽपि परांमुखम् ।।
શ્લો0- જેમ હાથ વડે જલ ઉપરથી દુર કરેલી નીલ અન્ય સ્થલે ક્ષણ માત્ર પણ રહેતી નથી પણ પાછી હતી તે જગ્યાએ આવીને જલને ઢાંકે છે. તેમજ આત્મા ઉપરથી દુર કરેલી અવિદ્યા પણ બહિર્મુખ થયેલા જ્ઞાનીના આત્માને ઢાંકી દે છે. માટે જ્ઞાનીએ જ્ઞાન વડે અવિદ્યાને દુર થયેલી માની આત્મસ્વરૂપનું વિસ્મરણ ન જ કરવું પણ સર્વદા સ્વરૂપાનુસંધાન રાખવું. બહિર્મુખ થયેલું ચિત અનર્થની પરંપરા વધારનારું થાય છે. એમ કહે છે.
વિવેકચુડામણી શ્લોકઃ- 325
लक्ष्यच्युतं चेद्यदि चित्तमीषद्बहिर्मुखं सन्निपतेत्तस्ततः ।
प्रमादतः प्रच्युतकेलिकन्दुकः सोपानपंक्तौ पतितौ यथा तथा ।।
શ્લો0- જેમ પ્રમાદથી હાથમાંથી પડી ગયેલો રમવાનો દડો પગથીયાંની હાર પર પડીને ત્યાંથી નીચે નીચે પડતો જાય છે. તેમ પ્રમાદથી આત્મરૂપ લક્ષ્યમાંથી છુટું પડેલું ચિત જો થોડું પણ બહિર્મુખ થાય તો તે વિષય ચિંતનાદિ અનર્થની પરંપરામાં પડતું પડતું અધોગતીને પામે છે. ચિતની અધોગતિનું વર્ણન કરે છે.
વિવેકચુડામણી શ્લોકઃ- 326
विषयेष्वाविशच्चेतः संकल्पयति तद्गुणान् ।
सम्यक्संकल्पनात्कामः कामात्पुंसः प्रवर्तनम् ।।
શ્લો0- નેત્રાદિ ઇંદ્રિયો દ્વારા રૂપાદિ વિષયોમાં સંબધવાળું થયેલું ચિત તેના તે વિષયોના રમણિયપણાદિ ગુણોનું ચિંતન કરે છે. વારંવાર કરેલા તે ચિંતનથી તેમાં તે વિષય પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રગટે છે. વિષયની ઇચ્છાથી તે વિષય મેળવવા માટે પુરૂષની પ્રવૃતિ થાય છે. પછી તેનું સેવન થાય છે. એમ ચિત ઉત્તરોત્તર પોતાની સ્થુલતાને ચંચલતામાં વધારો કરતું રહે છે.
વિવેકચુડામણી શ્લોકઃ- 327
अतः प्रमादान्न परोऽस्ति मृत्युर्विवेकिनो ब्रह्मविदः समाधौ ।
समाहितः सिद्धिमुपैति सम्यक्समाहितात्मा भव सावधानः ।।
શ્લો0- આથી વિવેકવાળા બ્રહ્મવેતાને આત્મસ્વરૂપના વિસ્મરણરૂપ પ્રમાદથી ભિન્ન મોત નથી. આત્મસ્વરૂપમાં ચિતની એકાગ્રતા કરનાર યથાર્થ સિધ્ધિને જીવનમુક્તિને પામે છે. તેથી હે સૌમ્ય તું સાવધાન થઇ એકાગ્ર ચિતવાળો થા. પુનઃ પ્રમાદથી થતી હાનીનું નિરૂપણ કરે છેઃ
વિવેકચુડામણી શ્લોકઃ- 328
ततः स्वरुपविभ्रंशो विभ्रष्टस्तु पतत्यधः ।
पतितस्य विना नाशं पुनर्नारोह ईक्ष्यते ।।
શ્લો0- તેથી પ્રમાદથી સદગુરૂએ તથા સતશાસ્ત્રે ઉપદેશ કરેલું આત્મજ્ઞાન નાશ પામેલું થાય છે, અને આત્મજ્ઞાનના નાશવાળો નીચે પડે છે. વિષય ચિંતનમાં ને વિષય સેવનમાં તત્પર થઇ જાય છે. નીચે પડેલાનો નાશ વિના, ઉત્તરોત્તર અધોગતિ વિના પુનઃ આરોહ, ચડવું, આત્મામાં સ્થિર રહેવું જોવામાં આવતા નથી. સ્વરૂપનું વિસ્મરણ કરી ભેદબુધ્ધિ વડે વિષયોમાં રમણિયપણાની બુધ્ધિ ન રાખવી એમ ઉપદેશ કરે છે.
વિવેકચુડામણી શ્લોકઃ- 329
संकल्पं वर्जयेत्तस्मात्सर्वानर्थस्य कारणम् ।
जीवतो यस्य कैवल्यं विदेहे स च केवलः ।
यत्कॢञ्चित्पश्यतो भेदं भयं ब्रूते यजुः श्रुतिः ।।
શ્લો0- નિજાનંદની પ્રગટતા અને દુઃખની નિવૃત્તિ, વિષયમાં રમણિયપણાની બુધ્ધિરૂપ સંકલ્પના ત્યાગ વિના થાય નહીં. તેથી સર્વ દુઃખના કારણરૂપ સંકલ્પનો પરિત્યાગ કરે. જેને જીવતાં સંકલ્પના પરિત્યાગ વડે મુક્તપણું પ્રાપ્ત થયું હોય તે જ દેહના ત્યાગ પછી વિદેહ મોક્ષનો ભાગી થાય છે. બ્રહ્મમાં થોડો પણ ભેદ જોનારને જન્મમરણરૂપ પ્રાપ્તિ થાય છે તેમ યજુર્વેદની શ્રુતિ કહે છે.
આ બીજો જ્ઞાનવાનનો અર્થ શંકરાચાર્યજી મહારાજના મતે જોયો. અવિદ્યાની નિવૃતિ પછી અને અપરોક્ષ અનુભૂતિ થયા પછી પણ જો સ્વરૂપાનુસંધાન દ્વારા નિષ્ઠા પ્રાપ્ત ન થઇ હોય અને જો બાહ્ય વિષયોમાં બહિર્મુખ થઇને નામરૂપાત્મક વિષયોનું ચિંતન કરવા લાગે તો શંકરાચાર્યે કહ્યું તે મુજબ તે મનુષ્ય જ્ઞાનવાન હોવા છતાં થોડી પણ અહં તૃષ્ણા સાથે સ્ફુરતાં એટલો હેઠો પડે છે કે તેને માટે ઉપર ચડવું કઠીન છે. ઘણાની દશા તેવી જોવામાં આવે છે. તે પછી રડતા હોય છે, દુઃખી થતા હોય છે. અને એટલા નિરાશ બની ગયા હોય છે કે તેને કશું પણ સુજતું નથી. તેમાં તો એ કે સાધના ચડતી પડતીની છે. અને કઇંક જ્ઞાનવાનને આપણે પડતા પણ જોયા છે. શાસ્ત્ર પુરાણોમાં પણ ઘણા ઋષિ મુનિયોનાં ઉદાહરણો છે. અને તે પાછા પોતાની ભુલ સમજાતાં તુરત તિવ્ર વૈરાગ્ય દ્વારા પાછા ચડી પણ ગયા છે. અને કોઇ તરણાના તોલનો કાયમ રહી જાય છે. અને શંકરાચાર્યજી મહારાજ જેવાના જીવનમાં ક્યારે પણ વિક્ષેપના દર્શન થતાં નથી. તેનું કારણ તે જ હોય છે કે આવી મહાન વિભુતિઓ જ્યારે શરીર લઇને જન્મે છે ત્યારે જ્ઞાનની પુર્ણ સામગ્રી, નિષ્ઠાવાનપણા સહિત જન્મે છે. પાંચ સાત કે આઠ વર્ષમાં વેદાધ્યયન કરી લેવું. અને નવમે વર્ષે સંન્યાસની ઇચ્છા કરે તેવા નવ વર્ષના બાલકને સંન્યાસના શું ખબર પડે. આવા જન્મસિધ્ધ મહાપુરૂષો ક્યાંક ક્યાંક અપવાદરૂપમાં જન્મ ધારણ કરતા હોય છે. અને તેવા મહાપુરૂષોને તૃષ્ણા ઉદ્ભવવાનો સંભવ જ નથી. બુધ્ધ કે મહાવીર હોય તો તે ઘણા વિક્ષેપ સહિત જ્ઞાન સામગ્રી લઇને જન્મતા હોય છે. રાજવીકુલમાં વિક્ષેપમાં રહેતાં રહેતાં પછી પુર્વ સંચિત જ્ઞાન જાગૃત થાય અને પછી વૈરાગ્ય થાય ત્યારે ખુબ એકાંતમાં જઇ તપશ્ચર્યા, સાધન, ભજન, ધ્યાન કરી, કઠોર સાધના કર્યા પછી વિક્ષેપની નિવૃતિ થાય, પછી નિષ્ઠા થાય, પછી બુધ્ધ કે મહાવીર બને. તેવું શંકરાચાર્ય જીવનમાં નથી. બૌધ્ધ બનીને જન્મ્યાં હતા. નથી તેના જીવનમાં જોવામાં આવતી કે કોઇ કઠોર તપશ્ચર્યા કરી હોય, છતાં મહાન યોગી પણ હતાં. કારણ કે આવા જન્મ ગીતામાં પણ દુર્લભ જણાવ્યા છે. બુધ્ધ મહાવીર શ્રીમંત કુલમાં જન્મ્યાં હતા અને શંકરાચાર્ય યોગી કુલમાં જન્મ્યાં હતા. એક વિક્ષેપસહિત જ્ઞાન સામગ્રી લઇને જન્મ્યાં એક વિક્ષેપરહિત જ્ઞાન સામગ્રી લઇને જન્મ્યાં. એક નિષ્ઠાસહિત જ્યારે એકને નિષ્ઠા કેળવવી પડી.
માટે અપરોક્ષ અનુભુતિ થયા પછી પણ જ્ઞાનીએ જ્ઞાનની દ્રઢતા માટે ખુબ એકાંતસેવન કરવું જોઇએ. નિષ્ઠાના પરિપાક પછી સાચો નિષ્ઠાવાન બ્રહ્મવેતા કે જ્ઞાનવાનને તૃષ્ણા ઉદ્ભવવાનો સંભવ નથી.
હવે એક ત્રીજો અર્થ પણ જોઇએ કે જેની જ્ઞાનવાન મનુષ્યમાં ગણના થાય તેવા જેમીની કે જે શ્રીકૃષ્ણ દ્વૈપાયનના મુખ્ય શિષ્ય પૂર્વમિમાંસાના આચાર્ય તે પણ જ્ઞાનવાન મનુષ્ય કહેવાય. કથા પ્રચલિત છે. વ્યાસ ભગવાન પોતે ભાષ્ય કોઇ લખતા હતા અને તેમણે લખ્યું કે * ઈન્દ્રિયો એવી બલવાન છે કે વિદ્વાન મનુષ્યના મનને પણ બલાત્કારે વિષયોમાં ખેંચી જાય છે. संपकर्षति – ત્યારે જેમીનીએ તેનો વિરોધ પ્રગટ કર્યો કે ગુરૂજી આપણે તપસ્વી છીયે, વિદ્વાન છીયે, ત્યાગી વૈરાગી છીયે. અરણ્યવાસીને શું ઈન્દ્રીયો આકર્ષે? नापकर्षती લખવું જોઇએ. વ્યાસ ભગવાને દ્રષ્ટાંત દલીલો કરીને સમજાવ્યાં, પરંતુ જેમીનીની બુધ્ધિમાં વાત ઠસતી નથી અને વળતી દલીલો કરવા લાગ્યાં એટલે વ્યાસ ભગવાને કીધું, મારા લખાણ ઉપર છેકો મારો અને જેમીનીએ છેકો માર્યો અને લખ્યું नापकर्षती. બસ વાત પુરી થઇ. જેમીની તે વાતને ભુલી ગયા છે. પરંતુ જ્ઞાનવૃધ્ધ અનુભવી ગુરૂ ના લખાણ પર છેક માર્યો તેવા વ્યાસ ભગવાન કેમ ભુલે. શિષ્યની બુધ્ધિમાં ઠસાવવા અને અનુભવ કરાવવા માટે તે વાતનો ખ્યાલ જ હતો કે સમય આવ્યે તે અનુભવ કરાવવો અને શિષ્યની પરીક્ષા કરી તે વાત સૌને જ્ઞાત જ છે. જેમીનીએ કાળું મોઢું કર્યુ, ઘોડો થયો, જે જે કહે તે તે કરવા તૈયાર થયા, તરણાના તોલનો તૃષ્ણાએ તેને એક પલમાં કરી નાખ્યો. તેની વિદ્વતા પણ ભુલાઇ ગઇ, જ્ઞાન વિસરાઇ ગયું. શ્રીમદ ભગવદ ગીતામાં પણ તેની પુર્તિ કરતો શ્લોક છે.
અધ્યાય 2જો, શ્લોક – 60
यततो ह्यपि कौन्तेय, पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि, हरन्ति प्रसभं मनः ।।
શ્લો0- હે કૌંતેય! યત્ન કરનારા વિવેકી પુરુષના મનને પણ સર્વને મથી નાખનારી ઇન્દ્રિયો બલાત્કારે વિષયો ભણી ખેંચી જાય છે. ) ક્યારેક જ્ઞાનની સાથે અજ્ઞાન પોષાતું હોય છે. ક્યારેક અજ્ઞાન જ્ઞાનમાં ખપતુ હોય છે, તેવી ભ્રાંતિ ચાલતી હોય અજ્ઞાન જ્ઞાનમાં ખપે તે બહુ જ ખરાબ છે. પરંતુ જ્ઞાન અજ્ઞાનમાં ખપતું હોય ત્યાં ભુલના ખબર રહે છે. અને પાછળથી જ્યારે તે સમજાય ત્યારે જાગૃતિ પણ આવી જાય છે.
બીજું જોઇએ નારદ મુનીની કથા પણ સૌને જ્ઞાત છે. તેણે હિમાલયમાં કોઇ એક રમણીય સ્થાન જોયું અને સમાધિ કરવાની ઇચ્છા થઇ. સમાધિસ્થ થયાં. અને જેની પરીક્ષા કરવાની ઈન્દ્ર મહારાજને પણ ઇચ્છા થઇ. અને કામદેવને તેમની સામગ્રી સહિત મોકલ્યાં. કામદેવે પણ પોતાની જેટલી કામકલા હતી તેના સઘળા પ્રયોગો કરી જોયાં. અપ્સરાઓના નાચ-ગાન સહિત પરંતુ નારદ નારદ જ રહ્યાં, અચલ રહ્યા, અડગ રહ્યા. કામદેવ પણ શરણે થયા અને નારદની પ્રશંસા કરતા સ્વર્ગમાં ગયાં. આ ઘટના પછી નારદ ફરી સમાધિસ્થ ન થયા પરંતુ સુક્ષ્મ અહંકાર દબાયેલો જાગૃત થયો. ક્યાં છુપાયો હતો. નારદ જ્ઞાની હતા, આચાર્ય હતા, સઘળી વિદ્યાઓના જ્ઞાતા હતા, કોઇ વિદ્યા અજ્ઞાત ન હતી. તેવા તે જ્ઞાનવાન મનુષ્ય હતા. અને તેને થયું ચાલ જાઉં શિવજીને જઇને જણાવું કે કામજીત તે એકલા જ થોડાં છે? હું પણ છું. સુક્ષ્મ અહંકારે કૈલાશ પહોંચાડ્યાં. ભગવાન શિવજીએ આદર કર્યો, કુશલ પુછયા અને સઘળી વાત કરી. કામદેવના પરાજયની પણ વાત કરી. ભગવાન શંકર તેના સુક્ષ્મ અહંકારને સમજી ગયા અને કહ્યું કે નારદ તમે આ વાત બીજે ક્યાંય ન કરતા અને વિષ્ણુને તો બીલકુલ ન કહેશો. ભગવાન શિવજીએ તો નારદના હિતની વાત કહી પરંતુ નારદને તેમાં પણ મત્સરના દર્શન થયાં. આ શંકર પોતે એકજ સૃષ્ટિમાં કામજીત છે તેવી પ્રખ્યાતિને લઇને, હું પણ કામજીત છું તો મારી અદેખાઇ કરે છે તેથી જાહેર કરવાની મનાઇ કરે છે. આ પણ અહંકાર જ હતો. આપણને કોઇ સારી સલાહ કે હિતકારી સુચન આપતું હોય તો તેમાં પણ દોષ-દર્શન થાય અને તેને અહિતકારી માનવા લાગીયે. નારદ પણ શિવજીથી સંતુષ્ટ ન થયાં, ત્યાંથી સીધા વિષ્ણુ પાસે આવ્યાં. વિષ્ણુ ભગવાને પણ નારદનો ખુબજ આદર કર્યો, પ્રશંસા કરી, માન આપ્યું. અને વાત વાતે નારદ તે કહેવાતો ગયા હતા અને સઘળી કામજીતની વાત કરી. વિષ્ણુ ભગવાને પણ નારદના ખુબ ખુબ વખાણ કર્યા. તમારા જેવા બ્રહ્મચારીને માટે કાંઇ પણ દુર્લભ નથી. આપ જેવા બ્રહ્મચારીઓથી આ સૃષ્ટિ શોભે છે. ઇત્યાદિ ઇત્યાદિ શબ્દોથી ખુબ ખુબ વખાણ કર્યાં. અને નારદ પણ ભગવાન આપની કૃપા તેમ અભિમાનથી બોલ્યા અને વિદાય લઇને નીકળ્યાં. ત્યાં રસ્તામાં જ એક વિચિત્ર નગરી જોઇ. ક્યારેય પણ જોયેલી નહીં, એટલે પ્રવેશવાની ઇચ્છા થઇ. પ્રવેશ કરતાં જ જાણવા મળ્યું કે અહીંનો શિલનિધી રાજા છે તે પોતાની વિશ્વમોહિની નામની કન્યાનો સ્વયંવર કરે છે. નગરી ખુબ શણગારેલી હતી અને રાજદ્વાર સુધી નારદને પ્રવેશનો અધિકાર હતો. ત્યાં રાજદરબારમાં ગયા છે. શિલનિધી રાજાએ પુજા અર્ધ્ય ઇત્યાદીથી ખુબ સત્કાર કર્યો આસન આપ્યું. કુંવરીના સ્વયંવરની વાત કહીને તેના ચરણમાં વંદન કરાવ્યું. અને હસ્તરેખા જોવાનું કહ્યું. હસ્તરેખા જોઇ જતા જ નારદ નારદ ન રહેતાં રદ થઇ ગયાં. રેખા ઘણી ઉંચી હતી. તેને જે પરણે તે અમર થઇ જાય, ઇત્યાદી ગુણોનું દર્શન થયું અને ભુલા પડ્યાં. રેખા જેમતેમ બતાવીને ત્યાંથી ભાગી છુટ્યાં. રસ્તામાં વિચાર કરતા જાય છે, કેમ પ્રાપ્ત થાય? શું કરવું પડે? તર્ક કરતા જાય અને તર્ક મળ્યો કે જો વિષ્ણુ જેવું રૂપ હોય તો જ મને પરણે. ચાલ વિષ્ણુ પાસે જાઉં તે ઉદાર છે, ભક્તવત્સલ છે, તેનુ રૂપ આપશે.અને વિષ્ણુ પાસે ગયા. હજીતો હમણાંજ કામજીતની વાત કરીને નીકળ્યા હતા અને ભગવાન પણ સમજી ગયા. નારદે સઘળી વાત કરી તેનું રૂપ માગ્યું, ભગવાને વ્યંગ વચનો પણ કહ્યા છતાં નારદ જ રહ્યા ન હતા, કોણ સમજે? અને તે રૂપ લઇને ત્યાંથી ઉતાવળે ઉતાવળે ભાગ્યા, વિષ્ણુએ ત્યાં પણ ભ્રાંતિમાં નાખ્યા. મોઢું કાળું મર્કટનું કર્યુ અને કન્યા પરણવા સભામંડપમાં બેઠા. ફજેતી થઇ.જ્ઞાનવાન મનુષ્ય પલવારમાં તરણાના તોલનો થયો. અહં જાગ્યો, તૃષ્ણા જાગી. માટે જ્ઞાનવાને કદીપણ એમ ન માનવું કે હું જ્ઞાનવાન છુ. જોકે સાચા બ્રહ્મવેતા તો જ્ઞાનનો દાવો જ કરતા નથી. તો મહાપુરૂષો મનનો વિશ્વાસ કરતા નથી. કારણ કે આ મન ક્યારે જીવતું થઇ જશે તે કહી ન શકાય. મન પણ ખુબ છેતરે છે. જ્ઞાનીને લાગે કે મારૂં મન મરી ગયું છે, અને જીવતુ થાય, પરિણામ દેખાડે ત્યારે ખબર પડે કે શું થયું.
તેથી એક મહાત્માનું દ્રષ્ટાંત સુંદર છે. તે પોતાના આશ્રમે શિષ્યોસહિત રહે અને એક બાજુમાં જ વેશ્યા ગણિકા રહે. તે કાયમ આશ્રમે થઇને નીકળે અને મહાત્માને કહે કે મહાત્મા મર્દ કે મેરી? મહાત્મા મર્દ પણ ન કહે મેરી પણ ન કહે. મહાત્મા સમજતા હતા કે મર્દ બોલી દઇએ અને મન લઇને બેઠો છુ તો ક્યારે મેરી કહી દીયે તે ખબર નહીં, માટે કાંઇ પણ ન બોલવું તે જ ઉચિત છે. અને કાંઇ પણ ન કહે. ગણિકાનો પણ તે જ ક્રમ હતો જ્યારે નીકળે ત્યારે કહે, મહાત્મા – મર્દ કે મેરી? તેમ કરતાં શરીરનો અંત થવાનો સમય આવ્યો, મહાત્મા પણ સમજી ગયા અને પોતે પદ્માસન લગાવીને તૈયાર થયા. પ્રાણને ઉર્ધ્વ કરવાની તૈયારી કરવા લાગ્યા અને એક પોતાના શિષ્યને કહ્યું કે પેલી ગણિકાને બોલાવી આવ. શિષ્યએ ગણિકાને વાત કરીતે અમારા મહારાજ તને બોલાવે છે. ગણિકા પણ હરખાતી આવી અને તુરતજ કહ્યું પ્રથમ આદત મુજબ કે મહાત્મા – મર્દ કે મેરી? મહાત્માએ મુછ પર હાથ નાખીને કહ્યું મર્દ છું. આ જાઉં છુ હવે મર્દ. મર્દ રહીને અહીં રહેતો હતો ત્યારે વહેવારમાં મનની જરૂર પડતી હતી. આ વહેવારીક જગતમાં મનને સાથે લઇને ચાલવું પડે છે તેથી તે શું કરે ખબર નહીં. પરંતુ હવે મન અહીં મુકીને જ જાઉ છું.
તો પ્યારા ભક્તો આ છે જ્ઞાનવાનનો અર્થ. કાયમને માટે સંતપુરૂષોના કે ગુરૂના સમાગમમાં રહેવું. જ્યાં શરણાગતી છે. અનન્ય સંતચરણમાં પ્રેમ છે અને સતત તત્વચિંતન છે તેને અહં કે તૃષ્ણા ઉદ્ભવવાનો સંભવ નથી. માટે જ્યાં સુધી તત્વમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી સંત સમાગમ કરવો. ગુરૂના સાનિધ્યમાં રહેવું. શરણાગતનો ભાવ રાખવો. એકાંતસેવન કરવું. યોગવશિષ્ઠ અજાતવાદનો ગ્રંથ છે. પરસ્પર ચર્ચા કરશો. બુધ્ધિ કસાશે. જરૂર પડે તે પુછતાં રહેશો.
લી. આપનો ભજનપ્રકાશાનંદ
* શ્રી યોગવશિષ્ઠ તો અજાતવાદનો ગ્રંથ છે. તેથી તેમાં જગતના જન્મનો સ્વિકાર જ નથી. જગત નથી તો મન ક્યાંથી હોય? સમષ્ટિ મનનું સ્થુલરૂપ જગત છે. અને વ્યષ્ટિ મનનું સ્થુલરૂપ આ શરીર છે. તેથી જગત કે મન તેવી વસ્તુ જ નથી. બ્રહ્મ અજાત છે. તેમાં કોઇનો જન્મ સ્વીકારવો જ વ્યર્થ છે. જેમ રજ્જુજ સર્પરૂપે દેખાય છે, તેમ બ્રહ્મ જ જગતરૂપે ભ્રાંતિથી દેખાય છે. સાપ દ્રષ્ટિ લોપ પામે તો રજ્જુ દર્શન યથાર્થ થાય. તેમ જગત દ્રષ્ટી દુર થતા બ્રહ્મ દર્શન યથાર્થરૂપે અનુભવાય. ઉપશમ પ્રકરણમાં તો મનની સ્થિતિજ ઉડાડી દીધી છે. ચલન વાયુનું પ્રાણનું છે. તેમાં ચૈતન્યની જ્યોતિ છે. ઇન્દ્રિયોના બાહ્ય ચલનથી ઇન્દ્રિયો અને પ્રાણના ચલનથી પદાર્થો પ્રકાશે છે. બોધ ચૈતન્યથી થાય છે. તેમા મન ક્યાં આવ્યું? માટે પ્રાણ અને તેમાં ચૈતન્યની જ્યોતિ બંને મળતાં મનની સંજ્ઞા પામે. તેથી પ્રાણના નિરોધથી મનનો નિરોધ થઇ જાય છે. મહાપુરૂષોને પણ સમાધિમાં મન અનુભવાતું નથી. સુષુપ્તિમાં તો સૌનો અનુભવ છે તો સમાધિમાં મન ક્યાંથી? કલ્પના સિવાય મન તેવી કોઇ વસ્તુ નથી. અને પદાર્થની વાસના સિવાય મન પણ કોઇ કલ્પના કરી શકે તેમ નથી. વાસનાની નિવૃતિ થતા કલ્પના તથા મન નિવૃત થઇ જાય છે.