Daily Archives: 09/10/2008

બેડી મારી બુડન મત દે (8)

રાગઃ- સારંગ

બેડી મારી બુડન મત દે, 

તું છો મારી નૈયાનો તારણહાર –ટેક

જાગી મેં જોયું આ સંસાર,

નહીં કોઇ આમાં ઉગારનહાર –1

સાગરમેં ન મીલે કોઇ સહાર,

પ્રભુ મને એક તારો આધાર –2

બુડન બુડન લાગે નૈયા આવાર,

શામળિયાં સુકાની થઇને સંભાળ –3

બૂજ્યો મારો દીપને હુવો અંધકાર,

દીશા નવ સૂઝે પેલી પાર –4

તોફાન કરી મારે સાગર માર,

વાયે વાય વંટોળ વહેવાર –5

તૂટ્યા મારી સઢ કેરા તાર,

તૂટ્યા નાડા નાવના આધાર –6

કેશવ મને કિનારો બતાવ,

આવી મારી નાવને હંકાર –7

જાવું મારે સાગરની પેલી પાર,

તું છો મારી નૈયાનો તારણહાર –8

ભરોસો ભજનપ્રકાશ જગદાધાર,

બૂડતાંની બાંય ગ્રહો આવાર –9

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

ભરતજી જપે હરિના જાપ (7)

રાગઃ- કર મન ભજનનો વેપાર

ભરતજી જપે હરિના જાપ, સમરે સીતારામ દીનરાત –ટેક 

કૈકયી માતાએ કુબુધ્ધિ કીધી, ઉભો કીધો ઉત્પાત  

ભરત મારો ભોગવે ગાદી, રામ લીએ વનવાટ –1

પુત્ર વિયોગે પ્રાણ તજ્યા, દશરથ રામના તાત

ધન્ય નેહનો નાતો નિભાવ્યો, મળજો એવા તાત –2

વનવાસની વાત સાંભળતા, ભરત લીયે વન વાટ

મોટા ભાઇને જઇ મનાવું, મારા અવગુણ કરો માફ –3

અયોધ્યા પ્રભુ આપની, મારી માતાની ભૂલ થાત

કરજોડીને કરે વિનંતી, ભરત રામના ભ્રાત –4

ભાઇ ભરતને રામ સમજાવે, કરી વિવેકની વાત

પિતાજીનું ભાઇ વચન પાળવું, ઇ મોટો ધર્મ મનાત –5

સ્વામી સેવકની રીત રૂડી, તેની ભરત વિચારે વાત

આજ્ઞા માનવી અંતર્યામીની, ઇ મારો ધર્મ ગણાત –6

આધાર આપો અવિનાશી મુને, અવધીની વડી વાત

અંતર બળે પ્રભુ આપ વિયોગે, મારા તનડામાં તપે તાપ –7

પાદુકા આપી રામ પ્રભુએ, ભરત શીષ ધરાત

અવધિ પહેલાં પ્રભુ આવજો,ન ભૂલશો ભરત ભ્રાત –8

જોગી થઇને જીવે ભરત, દમે દઇ દીન-રાત

ભજનપ્રકાશ જગમાં જીવી જાણીયાં, 

એની અમર રહી ગઇ વાત –9

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 1 Comment

અજ્ઞાતમાં ડૂબકી ની પૂર્વ-ભુમિકા

અજ્ઞાતમાં ડૂબકીની પૂર્વભુમિકા

નિર્વાણધામ યોગાશ્રમના ભક્તોના અંતરમાં એક સાત્ત્વિક ઈચ્છા રમ્યાં કરતી હતી કે આપણાં વહાલાં દાદાગુરૂ શ્રી સ્વામી સત્યમિત્રાનંદગિરીજી મહારાજ આપણાં નિર્વાણધામ યોગાશ્રમમાં આવીને દીર્ઘકાળ સુધી નિવાસ કરે અને આપણને તેમના દિવ્ય સાંનિધ્યનો મહાલાભ પ્રાપ્ત થાય. તે માટે નિર્વાણધામ યોગાશ્રમના સંનિષ્ઠ ભક્તોએ મળીને નિશ્ચય કર્યો કે આપણે આપણાં વહાલાં દાદાગુરૂને માટે એક સુંદર નિવાસસ્થાન બનાવીએ અને પછી દાદાગુરૂને પ્રાર્થના કરીએ કે પ્રભુ હવે આપ અમારી કુટીરમાં પધારો.

અને પ્રભુની કૃપા અને ભક્તોના સહયોગથી આપણાં વહાલાં બાપુજીના ગુરૂજી માટે એક સુંદર નિવાસસ્થાન સદ્ગુરૂ કુટીરની રચના કરવામાં આવી.

તા.3જી જાન્યુઆરી 2003 ના રોજ આપણાં વહાલાં બાપુજી સ્વામીશ્રી ભજનપ્રકાશાનંદગિરીજી મહારાજના હ્રદયમાં આનંદના પૂર ઉમટ્યાં છે, હ્રદય આનંદથી છલકાઈ ઉઠ્યું છે અને નિર્વાણધામ યોગાશ્રમના ભક્તો પણ આનંદથી ઝુમી ઉઠ્યાં છે કારણકે આજે આપણાં વહાલાં દાદાગુરૂજી આપણાં યોગાશ્રમમાં સદ્ગુરૂ કુટીરમાં 3 દિવસ માટે પધારવાના છે.

દિલ્હીમાં ધુમ્મસના કારણે દાદાગુરૂની ફ્લાઈટ મોડી ઉપડી તેથી થોડું મોડું થયું. બપોર સુધીમાં દાદાગુરૂજી રાજકોટ પહોંચ્યાં. ત્યાંથી પછી અન્ય વાહનની તાત્ત્કાલિક સગવડ ન થતાં વહાલાં દાદાગુરૂજી ભક્તોના આનંદને માટે શારિરીક અસ્વસ્થતા હોવા છતાં પણ ઝડપથી પહોંચાય તે હેતુથી એમ્બ્યુલન્સમાં બેસીને રાણાવાવ આશ્રમે પહોંચ્યાં.

ભક્તોના હ્રદયમાં આનંદ આનંદ છવાઈ ગયો. ચોતરફથી ભક્તો દાદાગુરૂના સ્વાગતમાં દાદાગુરૂજીના તથા આપણાં વહાલાં બાપુજીના નામનો જયઘોષ કરવા લાગ્યાં. જુવાનીયાઓ રાસે રમવા લાગ્યાં. યાજ્ઞિકો યજ્ઞની તૈયારી કરવા લાગ્યાં. સંતો-મહંતો પણ દાદાગુરૂજીના આગમનથી હર્ષઘેલાં બન્યાં.

3 – 3 દિવસ દાદાગુરૂજીના સાનિંધ્યમાં નિર્વાણધામ યોગાશ્રમમાં સત્સંગ થતો રહ્યો. સંતો-મહંતો પધારતાં રહ્યાં. યોગાશ્રમના ભક્તો પણ નજીકથી અને દૂરથી યોગાશ્રમમાં જ રહેવા માટે આવી ગયાં. આપણાં વહાલાં બાપુજીના અંતરમાં એટલો બધો આનંદ ઉભરાવા લાગ્યો કે જેને શબ્દથી વ્યક્ત કરવો પણ અસંભવ છે.

સતત 3 દિવસ સુધી ભક્તોને ધર્મલાભ આપીને પછી દાદાગુરૂએ કહ્યું કે વાહ! ખરેખર  આશ્રમ તો અહીં રાણાવાવમાં જ છે. દાદાગુરૂજીને નિર્વાણધામ યોગાશ્રમમાં ખૂબ જ પ્રસન્નતા ઉપજી. ત્યાંર પછી દાદાગુરૂજીએ આપણાં વહાલાં બાપુજીને કહ્યું કે હું તો અહીં દીર્ઘકાળ સુધી રહી શકું તેમ નથી પરંતુ હવે તમે જ અહીં સદ્ગુરૂ નિવાસમાં આવીને રહો. બાપુજીએ પણ તેમના વહાલાં ગુરૂજીની આજ્ઞાને શીરોધાર્ય ગણીને કહ્યું કે ગુરુજી હું અહીં છ માસ સુધી અજ્ઞાતમાં – એકાંતમાં જવા માંગુ છું. અને દાદાગુરૂજીએ પણ પ્રસન્નતાપૂર્વક રજા આપી.

આપણાં વહાલાં બાપુજીએ આપણને સમજાવ્યું છે કે અજ્ઞાતમાં જવું એટલે એકાંતમાં જઈને છુપાઈ જવું તેમ નહીં. પરંતુ જે અજ્ઞાત તત્ત્વ છે, જે પરમાત્મ તત્ત્વ છે જે એકમાં જ સર્વનો અંત આવે છે અને જેમાંથી જ સઘળું ઉત્પન્ન થાય છે તે પરમ તત્ત્વ, ગૂઢ તત્વ એવું આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે કે જે બહુજનને માટે તો અજ્ઞાત જ છે તે અજ્ઞાત તત્વની શોધ કરવી તે જ અજ્ઞાતવાસ છે.

તા.14 જાન્યુઆરી 2003 મકરસંક્રાતિ થી તા.13 જૂલાઈ 2003 ગુરૂપુર્ણિમા સુધી લગભગ છ માસ બાપુજીએ અજ્ઞાતવાસમાં જવાનો નિર્ણય કર્યો. આપણાં વહાલાં બાપુજીના ગુરૂભાઈ શ્રી સ્વામી સ્વયંપ્રકાશાનંદગિરીજી મહારાજે સૂચન કર્યું કે સર્વ ભક્તોએ દર રવિવારે બેસીને શ્રીયોગવશિષ્ઠ મહારામાયણનું અધ્યયન કરવું તથા તેની ઉપર ચર્ચા કરવી. સૌ ભક્તોએ આ પ્રસ્તાવને સહર્ષ સ્વિકારી લીધો. હવે ભક્તોને માટે શ્રીયોગવશિષ્ઠ મહારામાયણ તો ઘણું કઠીન પડે, આ તો અજાતવાદનો ગ્રંથ છે વળી તેમાં ન સમજાય તેવી બાબતો પણ આવે તો તેના ઉકેલ કેવી રીતે મેળવવા? તો આ સમસ્યાના નિરાકરણ માટે બાપુજીએ કહ્યું કે તમને ન સમજાય તે પ્રશ્નો મને લખીને મોકલજો અને તેની પછીના રવિવારે હું તમને તે પ્રશ્નોના જવાબ મોકલતો રહીશ. તો બસ આ રીતે  જે જે સાધકોને મૂંઝવતા પ્રશ્નો છે તેના શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવાં આપણાં વહાલાં ગુરુજી સ્વામીશ્રી ભજનપ્રકાશાનંદગિરીજી મહારાજે ઉંડાણપૂર્વક આપેલાં જવાબો જે છે તે જ આ ‘અજ્ઞાતમાં ડૂબકી’ પુસ્તકરૂપે રજુ કરેલ છે.

સાધકોને મૂંઝવતા મોટાભાગના પ્રશ્નોના પ્રત્યુત્તરો આ પૂસ્તકમાં ઉંડાણપૂર્વક આપવામાં આવેલા છે. આવા સુંદર પુસ્તકની ભેટ આપવા માટે આપણે સહું ભક્તો આપણાં વહાલાં દાદાગુરૂજીના, આપણાં વહાલાં બાપુજીના તથા આપણાં વહાલાં સ્વામીશ્રી સ્વયંપ્રકાશાનંદજી મહારાજના સદૈવ ઋણી રહેશું.

Categories: અજ્ઞાતમાં ડૂબકી | 1 Comment

Create a free website or blog at WordPress.com.