Daily Archives: 08/10/2008

દશરથ કહીં સંભળાવે વાત (6)

દશરથ કહીં સંભળાવે વાત, કૌશલ્યાને અંધાઅંધીનો શાપ –ટેક  

અડસઠ તીરથ શ્રવણ ચાલ્યો, લઇ માતને તાત

તીરથ કરતો શ્રવણ ફરતો, સર્યું કાંઠે જાત –1

તૃષા લાગી માત-પિતાને, પાણી ભરવા જાત

જલને વિષે પાણી ભરતાં, કુંભ શબ્દ સંભળાત –2

શિકાર ખેલતાં દશરથ રાજા, સર્યું કાંઠે જાત

શ્રવણ પાણી ભરે સર્યુંમાં, દશરથ ભાવી ભુલાત –3

શબ્દવેધી બાણ સાંધ્યું, શ્રવણ સન્મુખ ચલાત

શ્રવણ હ્રદય બાણસમાણું, મુખે રામ રામ થાત –4

રામ નામનો અવાજ સુણી, દશરથ દોડ્યા જાત

કહે દશરથ કોણ ભાઇ તું, કહેને તારી વાત –5

આંધળા મારા માત-પિતાને, અડસઠ તીરથ કરાત

આંધળા માબાપનો એક હું શ્રવણ, સાંભળો મારી વાત –6

કાવડમાં મારાં માતપિતા, એનો જલ વિણ જીવડો જાત

પીવડાવો જઇ પાણી તમે, તે જોશે મારી વાટ –7

કુંભ લઇને દશરથ ચાલ્યો, આંધળાં સન્મુખ થાત

પીઓ પાણી માતપિતા તમે, દશરથ વદે વાત –8

ચાલ નહીં મારા શ્રવણની, બોલી બીજી થાત

શ્રવણ મારો રહે ન છાનો, તું કોણ પાણી પાત –9

વાત સૂણી આંધળા કેરી, દશરથ મન ગભરાત

દશરથ ભાઇ શિકાર કરતાં, ઘાત શ્રવણનો થાત –10

શ્રવણ ઘાતની વાત સૂણતાં, આંધળાં મન અકળાત

પુત્ર વિયોગે અમે મરતાં, મરજો દશરથ ભ્રાત –11

શાપ સૂણીને આંધળા કેરો, દશરથ દુઃખ દીલ થાત

ભજનપ્રકાશ ભાવિ ભૂલાવે, વિધિ લેખની વાત –12

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

વૈષ્ણવ શીદ કહેવડાવે રે (5)

વૈષ્ણવ શીદ કહેવડાવે રે, અંતર આધીનતા ક્યું ન આવે

તિલક છાપાંની તાણ ન રાખે, શીતલ ચંદન લગાવે

ચિત્તમાં શિતળતા જરાયે ન મળે, ત્રિવિધ તાપ તપાવે –1

કામક્રોધમાં રાતો માતો, લોભે ઘણો લલચાવે

દયા દીનતા દીલમાં નહીંને, દુનિયાને ડોળ દેખાવે –2

અભિમાનમાં આકરો ફરે, ફોગટ મન ફૂલાવે

ગરીબી વિના ગોવિંદ ક્યાંથી, મિથ્યા જગત ભરમાવે –3

વાલો મારો છે અંતર્યામી, છેતર્યો નહીં છેતરાવે

ભજનપ્રકાશ રંગ પતંગ દેખાડે, અંતે ઉડી જાવે –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 1 Comment

Create a free website or blog at WordPress.com.