સતનું સાંડીડું ચલાવીએ,
કાયાના કારીંગાને કાઢીએ — ટેક
ધરમના ધોરીરે જોતરીએ,
હેતના હળને હંકારીએ — ૧
ઓરાણી અલખના નામની બાંધીએ,
જુગતીથી ભક્તિના બીજ વાવીએ — ૨
મોસમ ઉગીને ખેતર ખીલ્યાં,
મન બહું મમતામાં મલ્યાં — ૩
કામક્રોધ નિંદામણ નિરાળીએ,
કરમના કણસલા કાઢીએ — ૪
ધીરજના મેળા મોટા માંડીએ,
રૂડી રીતે રખોપા રાખીએ — ૫
ગોફણજ્ઞાન ગોળા ચલાવીએ,
સંશય બીહંગ ઉડાડીએ — ૬
મોસમ પાકીને ઢીલ નવ ધરીએ,
મુક્તાફળ ભજનપ્રકાશ લણીએ — ૭