તુ પુછી જો પંડના તારા પાપ
પંડના તારા પાપ, તારૂં દિલડું દેશે જવાબ — ટેક
હૈયું ખોલી જોજે તારા, મનનું કાઢી માપ
બહુનામી બતાવશે, તારાં કરેલા સઘળા પાપ — 1
પરાયાને પીડા કરીને, ઉપજાવતો સંતાપ
પાપ કરવામાં પાછું ફરીને, જોયું નહીં કદી બાપ — 2
શાંતિના ઘરમાં લાય લગાડી, બીજાને બાળતો બાપ
ગરીબોને દુ:ખ દઈને, રડાવતો દિન રાત — 3
ક્રોધમાં રાતો-માતો થઈને, બનતો કાળો સાપ
કાળાં કરમ કરવામાં તે, નહોતું રાખ્યું માપ — 4
ગરીબોની હાય લીધી, હૈયાં બાળ્યાં અમાપ
ભજનપ્રકાશ કહે બહુ ભુંડાઈ કીધી, હવે શાને પસ્તાય — 5