વસ્ત્રવિનાશે યથા શરીરે
કસ્યાપિ નાસ્તિ વિનાશમતિ: |
કર્મરચિત ત્રિદેહ વિનાશે
નાસ્તિ તવાત્મનિ કા ચ ક્ષતિ || ૫ ||
જેવી રીતે વસ્ત્રનો વિનાશ થવાથી કોઈ તેમ નથી કહેતું કે મારો વિનાશ થઈ ગયો તેવી રીતે શરીરનો નાશ થવાથી વિનાશ થતો નથી.
જેવી રીતે સુતરના તાણાંવાણાંથી વસ્ત્ર બને છે અને કાળક્રમે ઘસાઈને નાશ પામે છે તે રીતે ત્રીદેહ (સ્થુળ, સુક્ષ્મ અને કારણ શરીરો) કર્મ દ્વારા રચાયેલા છે.
કર્મ ત્રણ પ્રકારના હોય છે. ૧.સંચિત ૨.ક્રીયમાણ ૩. પ્રારબ્ધ.
પૂર્વે કરેલા અને ન ભોગવાયેલા કર્મોને સંચિત કર્મ કહે છે. વર્તમાનમાં થઈ રહેલ કર્મોને ક્રિયમાણ કર્મો કહે છે. જન્મ સમયે સંચિત કર્મના જથ્થામાંથી જેટલો જથ્થો આ જન્મમાં ભોગવવા માટે લઈને આવ્યાં હોઈએ તેને પ્રારબ્ધ કર્મ કહે છે. કર્તાભાવથી કરવામાં આવેલ ક્રીયમાણ કર્મો નવું કર્માશય ઉત્પન્ન કરે છે ને સંચિતમાં જમા થઈને નવા જન્મ માટેના શરીરનું કારણ બને છે. આમ કર્મથી ઉત્પન્ન થયેલ ત્રીદેહ મળ્યાં કરે છે અને વિનાશ પામ્યાં કરે છે અને વળી પાછો મળે છે. દેહના નાશ થવાથી આત્મ તત્વની કશી ક્ષતિ થતી નથી.
ત્રણ શરીરો :
૧. સ્થુળ શરીર : સ્થુળ પાંચ મહાભુતો (આકાશ,વાયુ,અગ્નિ,જળ અને પૃથ્વિ) નું બનેલું હોય છે.
૨. સુક્ષ્મ શરીર : પાંચ જ્ઞાનેન્દ્રિય (શ્રોત્ર, સ્પર્શ, ચક્ષુ, રસના અને ઘ્રાણ), પાંચ કર્મેન્દ્રિય (હસ્ત, પાદ, વાણી, ઉપસ્થ અને પાયુ) પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન) તથા અંત:કરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) તેમ ૧૯ અંગો વાળુ હોય છે. સ્થુળ શરીરનો નાશ થાય છે. સુક્ષ્મ શરીર અને કારણ શરીર બીજા શરીરો ધારણ કરે છે.
૩. કારણ શરીર : આત્મસ્વરુપના અજ્ઞાનરુપ અવિદ્યા કે જે માયાનો અંશ છે તેમાંથી બને છે. વાસનાઓ રહે છે ત્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે અને વાસનાને અનુરુપ નવા નવા સ્થુળ શરીરો ધારણ કરવા માટેનું કારણ છે.
આત્મતત્વ સદાયે ઉત્પતિ અને વિનાશથી રહિત હોવાથી આ ત્રણે શરીરોની અસર આત્મા પર કશી થતી નથી.
નોંધ: આ વિષય પર વધુ જાણવા માટે આદિ શંકરાચાર્યજી રચિત
તત્વબોધ જોવા અનુરોધ છે.